નવસારી: ગતરોજ ગણદેવી તાલુકામાં 45 મિમી (1.8 ઇંચ) સાથે મોસમનો 1450 મિમી (58 ઇંચ) વરસાદ નોંધાયો હતો. અંબિકા નદીની જળ સપાટી 4.92 ફૂટ વધીને સાંજે 18.79 ફૂટ, કાવેરી નદીની 9 ફૂટ વધી ભયજનક 19 ફૂટે પહોંચી હતી.

જૂજ ડેમ ભયજનક 167.65થી વધી 167.90 અને કેલીયા ડેમ ભયજનક 113.40 ફૂટની સામે 113.90 ફૂટની સ્થિતિ એ છલકાઈ ઉઠયો હતો. ગણદેવીમાં પૂરના પાણી ફરી વળતા 8 માર્ગો બંધ થયા હતા. બીલીમોરા બંદર જેટી ઉપર પાણી ફરી વળ્યા હતા.દેસરા ઓવરબ્રિજ વાઘરેચ એપ્રોચ પર પાણી ભરાતા માર્ગ બીલીમોરા-વાઘરેચ માર્ગ બંધ થયો હતો.

વલોટી-ધકવાડા રોડ, ધકવાડા વાવ ફળિયાથી અંભેટા રોડ, નવસારી જકાતનાકાથી બ્રહ્મદેવ રોડ, દેસરા ઓરીયા મોરિયા ફળિયાથી વાઘરેચ બીલીમોરા કોસ્ટલ હાઇવેને જોડતો બીલીમોરા વાઘરેચ રોડ, ઉદાચ ઓવરબ્રિજથી લુહાર ફળિયા જોડતો રોડ, ઊંડાચ રાઘવ ફળિયા રોડ, દેસાડ વાવ ફળિયાથી અંભેટા રોડ અને દેવધા ભાઠા રોડ ભારે વરસાદને કારણે ઓવરટોપિંગ થતા બંધ કરવા પડયા હતા.