નવસારી: જલાલપોર તાલુકાના વાંસી ગામે રહેતા આધેડે આરટીઓ ચલણ એપીકે ફાઇલ ખોલી અને માહિતી ભરી તરત જ બે લાખ રૂપિયા સાયબર હેકરોએ ઉપાડી લઈ છેતરપિંડી કરી લીધી હોવાની ફરિયાદ મરોલી પોલીસમાં નોંધાઇ છે. જલાલપોર તાલુકાના વાંસી ગામે રહેતા કિરીટભાઈ અરવિંદભાઈ પટેલે મરોલી પોલીસમાં જાણ કરી કે તેમના વોટ્સએપ નંબર ઉપર અજાણ્યા નંબરવાળાએ આરટીઓ ચલણ એપીકે ફાઈલ મોકલાવી હતી.
જે ફાઇલ ડાઉનલોડ કરવા જણાવતા કિરીટભાઈ પટેલે બેંકના ખાતા સહિતની દસ્તાવેજી વિગતો ભરી હતી અને અજાણ્યા યુવાને ઓટીપી નંબર પણ માંગ્યો હતો ત્યારબાદ ખાતાનો ઓટીપી નંબર પણ અજાણ્યા વોટ્સઅપ ચાલકે માંગતા તે નંબર પણ આપ્યો હતો, ત્યારબાદ તેમની વિવિધ બેંકમાં આવેલા ખાતામાંથી રૂ. 2 લાખ ઉપડી ગયાનો સંદેશો આવ્યો હતો.જેને લઇ તેમની સાથે સાયબર ક્રાઇમ થયો હોય તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પીઆઈ ડી.જે. પટેલ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં ઓન લાઇન છેતરપિંડીની ઘટના સૌથી વધુ બની રહી છે. અગાઉ પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવા છતાં લોકો તેને ધ્યાને નહીં લેતા અવારનવાર છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. જેમાં યુવાનોથી લઇ આધેડનો પણ સમાવેશ થાય છે.તાજેતરમાં સોશિયલ મીડિયામાં RTO ચલણ apk ફાઇલ ન ખોલવા માટે સાયબર ક્રાઇમના પીઆઇ યુ.એલ.મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી. આમ છતાં પણ લોકો હજુ પણ જાગૃતિના કાર્યક્રમને ગંભીરતાથી ન લેતા હોય અજાણી લીંક પર ક્લિક કરીને પોતાની જાતે નુકસાન વહોરી લેતા હોય છે.











