નવસારી: જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડૂબેલી જયશ્રી બોટના બે માછીમારોના મૃતદેહ નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે દરિયા કિનારે મળી આવ્યા છે. મૃતદેહમાંથી એકની ઓળખ 37 વર્ષીય હરેશ બીજલભાઇ બારૈયા તરીકે થઈ છે. બે બાળકોના પિતા હરેશભાઈ બોટમાં રસોઈયા તરીકે કામ કરતા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ 19 ઓગસ્ટના રોજ જાફરાબાદની જયશ્રી, રાજપરાની મુરલીધર અને દેવકી નામની ત્રણ બોટ ડૂબી હતી. આ બોટમાં કુલ 28 માછીમાર સવાર હતા. તેમાંથી 17 માછીમારોને બચાવી લેવાયા હતા. બાકીના 11 માછીમારોની શોધખોળ ચાલુ હતી.પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમે ત્રણ દિવસ પહેલા બે મૃતદેહ શોધ્યા હતા.
તેમનો અંતિમવિધિ જાફરાબાદમાં કરવામાં આવ્યો હતો. બાકી રહેલા 9 માછીમારોની શોધખોળ માટે કોસ્ટગાર્ડે બે શિપ અને 4 હેલિકોપ્ટર સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તોફાની દરિયામાં પણ કોસ્ટગાર્ડની ટીમ 22 નોટિકલ માઈલ સુધી શોધખોળ કરી રહી છે.નવસારી વહીવટી તંત્રે જાફરાબાદ તંત્રને જાણ કરતાં સ્થાનિક આગેવાનો વહેલી સવારે મૃતદેહનો કબજો લેવા નવસારી પહોંચ્યા હતા. મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળ્યો હતો અને તેની ઓળખ કપડાં પરથી કરવામાં આવી હતી.











