પારડી: વલસાડ જિલ્લાના પારડી પોલીસે સાયબર ક્રાઇમના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રના સતારાથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને 100થી વધુ બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા.
ગત 1લી સપ્ટેમ્બરે પારડીના એક વ્યક્તિના HDFC બેંક ખાતામાંથી રૂ. 2.37 લાખની છેતરપિંડી થઈ હતી. પોલીસ તપાસમાં આ રકમ મહારાષ્ટ્રના સતારા સ્થિત એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું. PI જી.આર. ગઢવીના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હનુમંત બાલાસો હિંગે અને અર્જુન યુવરાજ સુર્વેની ધરપકડ કરી.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લોકોના નામે બોગસ બેંક ખાતા ખોલાવી રહ્યા હતા. તેઓ આ એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ ઝારખંડના સોનુકુમાર નામના વ્યક્તિને વેચતા હતા. Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસે આરોપીઓ પાસેથી 19 પાસબુક-ચેકબુક અને 2 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.હાલ મુખ્ય સૂત્રધાર સોનુકુમાર ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ બનાવી છે.











