છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ઉચ્છ નદીના પાણી ભરાતાં ગામમાં જઇ ન શકાય એવી સ્થિતિ સર્જાઇ છે. ચલામલી નજીક કોતરમાં ફસાયેલા અને મોરા ડુંગરી નજીક ચારેય બાજુ પાણીની વચ્ચે ઝાડ ઉપર ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યૂ કરાયું હતું.છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ ધોધમાર વારસાદ વરસ્યો હતો. તેમાં પણ ઉચ્છ નદીના કેચમેન્ટ વિસ્તારમાં તો મેઘરાજાએ ધબડાટી બોલાવી દીધી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ બોડેલીના પાણેજ ગામ પાસેથી ઉચ્છ નદી પસાર થાય છે. તેમાં પાણીની વ્યાપક આવક થતાં ગામમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ ગઈ હતી.ગામમા પ્રવેશવાના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. બીજી બાજુએ ચલામલી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ભરડા કોતરમાં પાણી આવ્યું હતું.

દરમિયાન ગામનો યુવક પશુ ચરાવવા ગયો હતો. એ ફસાઈ ગયો હતો. કોતરના પાણી વચ્ચે ફસાયેલા આ યુવકને ગ્રામજનોએ દોરડાની મદદથી બચાવી લીધો હતો.મોરા ડુંગરી નજીક પણ યુવક કોતરમાં ચારેય બાજુ પાણી આવતાં વચ્ચે આવેલા ઝાડ ઉપર ચડી ગયો હતો. તેને સ્થાનિક ડિઝાસ્ટર શાખાએ બોટ લઇ જઇને તેને ઝાડ પરથી ઉતારી બચાવી લીધો હતો.