વાપી: વાપીમાં નાના બાળકોએ શ્રીગણેશજીની સ્થાપના કરવા માટે 1800 રૂપિયાની ઉઘરાણી કરી હતી. જોકે સ્થાપના માટે પંડિતે 2500 રૂપિયાની માંગણી કરતા તેઓ અસમંજસમાં મુકાયા હતા અને અંતે યુટ્યુબથી જ વિધિ અને સ્થાપના કરી દીધી હતી.
વાપી ટાંકી ફળિયા ખાતે સીતારામની ચાલીમાં રહેતા બાળકોએ આ વર્ષે પ્રથમવાર શ્રીગણેશજીને બેસાડવા નક્કી કર્યું હતું. જેને લઇ અઠવાડિયા પહેલાથી જ તેઓ પૈસા ઉઘરાવવા તેમના વિસ્તારના લોકો પાસે ગયા હતા. 10, 20થી લઇ 50 રૂપિયા સુધી લોકોએ આપતા કુલ 1800 રૂપિયા તેઓ પાસે જમા થયા હતા.જેમાંથી 500 રૂપિયાની મૂર્તિ અને ડેકોરેશનના 500 રૂપિયા મળી 1000 રૂપિયા ખર્ચ થયા બાદ તેઓ પાસે 800 રૂપિયા બચ્યા હતા.
ગત મંગળવારે સાંજે શ્રીગણેશજીની સ્થાપના અને વિધિવત બેસાડવા માટે તેમણે એક પંડિતથી વાત કરતા તેમણે 2500 રૂપિયા ખર્ચ હોવાનું જણાવ્યું હતું.અસમંજસમાં મૂકાયેલા બાળકોએ બુધવારે સવારે યુટ્યુબ પર સ્થાપના વિધિ જોઈ વીડિયો પ્રમાણે પોતે જ તમામ વિધિ કરી નાખી હતી. 5 વર્ષથી 13 વર્ષ સુધીના બાળકોએ જણાવ્યું કે, ભગવાનને પ્રેમની જરૂર છે વિધિની નહીં.

            
		








