વલસાડ: વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ નજીક શ્રીસાંઈ આઈમાતા હોટલમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે હોટલ કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો.હોટલના કમ્પાઉન્ડ અને પાછળના રૂમમાંથી 12 લોખંડના સળીયાની ભારીઓ અને 6 ચેનલો મળી આવી હતી. આ ઉપરાંત 81 પામ ઓઈલના ડબ્બા, એક ઇલેક્ટ્રોનિક કાંટો અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
બે ટેન્કર અને એક ટ્રકમાંથી મળેલા માલ સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹1,29,53,168 આંકવામાં આવી છે.પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં પુનારામ કોલાજી ચૌધરી (રાજસ્થાન), ભરતભાઈ રેવાભાઈ ભરવાડ (વલસાડ), સાવરીયા દેવકરણ ગુર્જર (રાજસ્થાન), કુલદીપસિંહ ગુરૂચરણ સિંહ (હરિયાણા) અને પ્રમોદકુમાર જવાહરલાલ યાદવ (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓ ટેન્કરોમાંથી પામ ઓઈલ અને ટ્રકમાંથી લોખંડનો માલ ઉતારીને સસ્તા ભાવે વેચાણ કરતા હતા. તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ બુક કરવામાં આવ્યા છે. કેસની વધુ તપાસ PSI વી.એ. વસાવાને સોંપવામાં આવી છે.











