વલસાડ: વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાધુઓએ કીચડમાંથી પસાર થવું પડયું હતું.ગામની બાજુમાંથી પસાર થતી ઔરંગા નદી પર માર્ગ મકાન વિભાગે નવો બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ કાંજણ રણછોડથી ઠક્કર વાડા ગામને જોડે છે.

પરંતુ વણજાર ફળિયામાંથી સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકોએ કીચડમાંથી પસાર થવું પડે છે.Decision News ને મળેલી જાણકારી અનુસાર સ્થાનિક લોકોએ માત્ર 300 મીટરના રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ વિભાગ દ્વારા આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે. આ કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

કીચડમાંથી મૃતદેહ લઈ જતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.આ દ્રશ્યોએ વિકાસના અભાવને ઉજાગર કર્યો છે. સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે. લોકોની માંગ છે કે વિભાગ વહેલી તકે વણજાર ફળિયા પાસેથી પસાર થતો રસ્તો બનાવે અને લોકોને આ લાચારીમાંથી મુક્તિ અપાવે.