નવસારી: નવસારીના મુનસાડ ગામમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી રાજુ હળપતિએ તેની લિવ-ઈન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુથી હત્યા કરી નાખી છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજુની પ્રથમ પત્ની સાથેના ઝઘડાની તકરાર આ હત્યાનું કારણ બની છે. હત્યા દરમિયાન આરોપીએ સંગીતાના પુત્ર પર પણ હુમલો કર્યો છે. ઘાયલ પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ગ્રામ્ય પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. Decision News ને મળેલી માહિતી મુજબ હત્યા કર્યા બાદ આરોપી રાજુ હળપતિ ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.