બીલીમોરા: બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર મેળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મેળામાં લાગવવામાં આવેલી ટાવર રાઈડના ઓપરેટર ઋષિકેશ વાઘમારેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.17 ઓગસ્ટની રાત્રે 11 વાગ્યે 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ તૂટી પડી હતી.
આ અકસ્માતમાં રાઈડમાં સવાર 10 માંથી 5 લોકો ઘાયલ થયા હતા. તેમાં ત્રણ બાળકો અને રાઈડના ઓપરેટર સામેલ હતા. મહારાષ્ટ્રના પરભણીના રહેવાશી 28 વર્ષીય ઓપરેટર ઋષિકેશને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના દસ દિવસ બાદ તેમનું મોત નિપજ્યું છે.સુરેન્દ્રનગરની શિવમ એજન્સીને 62 લાખ રૂપિયાના ઈજારાથી રાઈડ ચલાવવા માટે મેદાન ભાડે આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ શિવમ એજન્સીના પ્રોપ્રાઈટર વિરલ પિઠવા સુરેન્દ્રનગરના રહેવાશી છે. એજન્સીએ પ્રથમ વખત બીલીમોરા મેળામાં સાત અલગ – અલગ રાઈડ માટે પરવાનગી મેળવી હતી.આ ઘટના બાદ રાઈડ ઓપરેટરો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ વાઘમારે પરિવાર પર ભારે આઘાત પહોંચાડયો છે.











