વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદની પેટર્ન બદલાવાને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 814 ટીમો બનાવી છે. આ ટીમો ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી રહી છે. જિલ્લામાં 480 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પાણીનો ભરાવો મળી આવ્યો છે.
આરોગ્ય વિભાગે બિલ્ડરો અને બાંધકામ સાઇટ સંચાલકોને નોટિસ પાઠવી છે.ભંગારના ગોડાઉન સંચાલકોને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તેમને પાણીનો સંગ્રહ ન થાય તે રીતે ભંગાર રાખવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે વલસાડ નગરપાલિકાની આરોગ્ય ટીમને શહેરી વિસ્તારમાં જરૂરી કામગીરી કરવા સૂચના આપી છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે. તેથી ડેન્ગ્યુના કેસો વધવાની શક્યતા છે. વરસાદની સીઝનમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. આ કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધી શકે છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે.











