નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો. જે પૈકી બેના મોત નીપજયાં છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘટનામાં પ્રિતેશ પટેલ, અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, ક્રિશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સમયે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાયર જોઈન્ટ થઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં 9 ફૂટની ઊંચી ગણપતિની પ્રતિમા ન લાવવાનો પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં મોટી મૂર્તિઓ જોવા મળી રહી છે.