ભરૂચ: જંબુસર તાલુકાના નોબાર ગામના નવીનગરી વિસ્તારનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા રસ્તો ન બનાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.ભાથીજી મંદિરથી નવીનગરી વિસ્તાર તરફ જતો રસ્તો જર્જરિત છે. વરસાદી મોસમમાં રસ્તા પર કાદવ-કીચડ થઈ જાય છે.
આ કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. શાળાએ જતાં બાળકો આ માર્ગનો ઉપયોગ કરે છે. કાદવમાં લપસી પડવાથી તેમને ઈજા થાય છે અને કપડાં બગડે છે. વાહનો પણ કીચડમાં વારંવાર ફસાય સો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચૂંટણી સમયે નેતાઓ વચનો આપે છે. પરંતુ ચૂંટાયા બાદ કોઈ પગલાં લેવાતા નથી.
આ માર્ગ ગામના સ્મશાન સુધી જાય છે. તેથી અંતિમવિધિ માટે નનામી લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. રસ્તા પર લાઈટની સુવિધા ન હોવાથી રાત્રે લોકોની મુશ્કેલી વધી જાય છે. સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો રસ્તાનું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે.

