ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ માર્ગ પર આવેલ સાકરપાતળ ગામ નજીકનો નંદીનાં ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરાયો છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો વઘઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પરનો સાકરપાતળ ખાતેનો નંદીના ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની હાલત જર્જરિત હોવાથી લોકોની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પગલાંથી હવે સાપુતારા-વઘઇ માર્ગ પરથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રક અને લકઝરી બસ જેવા ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, સાકરપાતળ બ્રિજ પરથી હવે માત્ર કાર અને અન્ય નાના વાહનોને જ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે.પૂર્વે ST બસો જવાની પરવાનગી હતી પણ આ નિર્ણય બાદ માર્ગ પરના ગ્રામજનોએ STની મુસાફરી માટે હાલાકી ભાગવવી પડે તેવી શક્યતા છે.
ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગ દ્વારા પુલ નજીક લોખંડની ગેન્ટ્રી પણ લગાવાઇ છે. આ સાથે સૂચક બોર્ડ પણ લગાવ્યા છે. જેથી બ્રિજની સલામતી સુનિશ્ચિત કરી શકાય, જે વાહનચાલકોએ સાપુતારા તરફ જવાનું હોય અને જેમના વાહનો ભારે છે, તેમને હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જેમાં લકઝરી બસ વઘઇ-આહવા થઈ સાપુતારા આવી શકે છે.આ વૈકલ્પિક માર્ગ થોડો લાંબો છે પરંતુ તે ભારે વાહનો માટે સુરક્ષિત છે.

