સુરત: સુરતમાં આજે સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સવારથી દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને, ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન સાથે વરસાદના પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર વૃક્ષો ધરાશાયી થયા હતા.

ભારે વરસાદના કારણે ઉધના-નવસારી રોડની એક કિલોમીટરની એક સાઈડ આખી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ પર કમર સુધી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર થંભી ગયો છે. પરિણામે, વાહનચાલકોએ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા તેમના વાહનો બંધ પડી ગયા હતા. ઘણા વાહનો પાણીમાં ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ સુરતમાં ભારે વરસાદનું જોર યથાવત રહી શકે છે. વરસાદ સાથે ભારે પવનના પગલે સુરત શહેરમાં ઝાડ પડવાના પણ બનાવો સામે આવ્યા છે. ડુમસ રોડ કારગીલ ચોક પાસે ઇન્દ્ર લોક એપાર્ટમેન્ટ પાસે એક વૃક્ષ બે કાર પર પડ્યું હતું. અડાજણ ચોકસી વાડી પાસે, એલએચ રોડ માતાવાડી સર્કલ પાસે, પાંડેસરા જીઆઇડીસી રોડ ખાતે એક એક વૃક્ષ પડ્યા હતા.