વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. શેરીમાળથી કાંગવી જતા રસ્તા પર માન નદીના લો-લેવલ કોઝવે પરથી એક બાઇક ચાલક તણાઈ ગયો.

ધરમપુર અને ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે તાલુકાની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. આ કારણે 25 જેટલા લો-લાઈન બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં શેરીમાળથી કંગવી ગામને જોડતો બ્રિજ પણ સામેલ હતો.

Decision Newsને મળેલ માહિતી મુજબ ગઈકાલે રાત્રે 8 વાગ્યે, એક બાઇક ચાલક કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો. બ્રિજના બંને છેડે તૈનાત GRDના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવક માન્યો નહીં અને બાઇક રેસ કરીને કોઝવે તરફ નીકળી ગયો. નદીના ધસમસતા પ્રવાહમાં તે તણાઈ ગયો.

સ્થાનિક લોકોએ તરત જ ધરમપુર પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક લોકોએ પણ કિનારેથી યુવકને બચાવવાના પ્રયાસો કર્યા. પરંતુ નદીમાં વધુ પ્રવાહને કારણે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવું પડ્યું.આજે સવારથી NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી બાઇક ચાલક કે બાઇક મળ્યા નથી. શોધખોળ કાર્ય ચાલુ છે.