નવસારી: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામના પટેલ ફળિયામાં એક ટ્રકની પાછળ અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. વાંસદાના રૂપવેલ રાયાવાડી ફળિયાનો રહીશ આર્તિક દિનેશભાઈ પટેલ (ઉ.વ. 26) ધોળીકુવા પેટ્રોલ પંપ પરથી નોકરી કરીને ઘરે આવ્યો હતો અને ઘરેથી મજૂરોને કહેવા ઉપસળ ગામે બાઈક (નં. જીજે-21-બીક્યુ-4557) ઉપર નીકળ્યા હતા.
Decision News ને મળેલ માહિતી મુજબ વાંસદા-ચીખલી રોડ પર કાંટસવેલ ગામના પટેલ ફળિયામાં ટ્રક (નં. જીજે-19-યૂ-4644)નો ચાલક અમિત અનદભાઈ પવાર (રહે. દિવાનટેમરૂન, કારબારી ફળિયા, તા.આહવા) વાહનમાં અનાજ ભરીને જઈ રહ્યો હતો. તેમણે ટ્રક ગફલતભરી રીતે હંકારતા પાછળથી આવતા બાઈક ચાલક આર્તિકભાઇ ટ્રક સાથે અથડાયો હતો.
જેને પગલે બાઇક ચાલક આર્તિકનું ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દિનેશભાઈ મેહરવાનભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

