દમણ: દમણના સોમનાથમાં એટીએમમાં પ્રવેશી એક યુવકને કાર્ડ બ્લોક છે કહી કાર્ડની બદલી કરી રૂ. 17,000 કાઢી ઠગાઇ કરનારા બે ઇસમની દમણ પોલીસે ધરપકડ કરી છે. બંને ઇસમો સામે દમણના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુના નોંધાઈ ચૂ્ક્યા છે.
નાની દમણના ડાભેલ ખાતે રહેતા રામસિંગ સેન 10 ફેબ્રુઆરી 2025ના રોજ સોમનાથ ખાતે એટીએમ કેબિનમાં રૂપિયા કાઢવા માટે ગયા હતા. તે દરમિયાન બે ઇસમો અંદર પ્રવેશી ગયા હતા અને તમારો કાર્ડ બ્લોક થઇ ગયો છે તેમ કહી કાર્ડ લઈને મશીનમાં નાખી પાસવર્ડ જાણ્યા બાદ કાર્ડ બદલીને અન્ય કાર્ડ આપી ત્યાંથી જતા રહ્યા હતા.થોડીવાર બાદ રામસિંગની પત્નીના ફોન પર ખાતામાંથી રૂ. 17,000 ઉપડી ગયા હોવાનું મેસેજ આવતા આ અંગે કચીગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ હતી.
આ કેસમાં દમણ એસપી કેતન બંસલ અને એસડીપીઓ તનુ શર્માના માર્ગદર્શનમાં કચીગામ એસએચઓ શશીકુમાર સિંહ અને તેમની ટીમે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં બંને આરોપી બાઇક નં. જીજે-15-ઇબી-2732 પર ભાગતા નજરે પડયા હતા.તપાસમાં આ બાઇકનો માલિક વાપીના ડુંગરા ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફૂટેજના આધારે આરોપી ચંદનકુમાર મણિક સિંહની દમણથી ધરપકડ કરી હતી. જ્યારે તેની સાથે સંડોવાયેલ આરોપી અયોધ્યા નારાયણ સિંહ પણ દમણથી જ ઝડપાયો હતો. બંને સામે બિહાર અને મોટી દમણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.

