વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે તાલુકાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. કેળવણી અને ચિચોઝર ગામને જોડતી લાવણી નદી પર બનેલા લો લાઈન કોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે.આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની અવરજવર પ્રભાવિત કરી છે. સ્થાનિક લોકોએ વર્ષોથી તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે.

વારંવારની રજૂઆતો છતાં લો લાઇન બ્રિજનું નિર્માણ ન થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે, કેળવણી અને ચીચોઝર ઓઝર ફળિયામાં બે મેજર બ્રીજ માટે રૂ. 16.40 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. મામાભાચા બેલી ફળિયામાં રૂ. 1.25 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનનું કામ પણ મંજૂર થયું છે.ચિચોઝર મુખ્ય રસ્તાથી કેળવણીના ડુંગર ફળિયા સુધી શિવ ફળિયા રોડ પર લાવરી નદી પર રૂ. 8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજ બનશે.

આ ઉપરાંત, ચિચોઝર મુખ્ય રસ્તાથી ઓઝર ફળિયા તરફ જતા રસ્તા પર લાવરી નદી પર પણ રૂ. 8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજનું નિર્માણ થશે.ચિચોઝરના મહિલા સરપંચના પતિ ભગુભાઇ પી.બારીયાએ બે બ્રીજના જોબ નંબર માટે આનંદની લાગણી વ્યક્ત કરી કહ્યું હતું કે, બે બ્રીજ બનવાથી વર્ષોની સમસ્યા દૂર થશે અને પશુપાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત, શિક્ષકો, 108 એમ્બ્યુલન્સ સહિત ઘણો ફાયદો થશે તેમજ અવરજવરની સુવિધા મળશે.