નવસારી: નવસારી જિલ્લામાં ખેતીના ક્ષેત્રે ટેકનોલોજી અને પરંપરાગત પદ્ધતિઓના સમન્વય સાથે કૃષિ વિકાસ માટે એક નવો પડકાર સ્વીકારવામાં આવ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા અને રાસાયણમુક્ત ખાદ્યપદાર્થો જનસામાન્ય સુધી પહોંચાડવા માટે નૈસર્ગિક નવસારી એપ્લિકેશન નવસારી જિલ્લા તંત્ર દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે.આ એપ્લિકેશન ખાસ કરીને નૈસર્ગિક નવસારી પ્રોજેક્ટ અંતર્ગત હેલ્થ પ્રોડ્યુસ માર્કેટિંગ વેચાણ બજાર વ્યવસ્થા માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ રહી છે. આ એપ્લિકેશનના માધ્યમથી શહેરી ગ્રાહકો હવે ઘરબેઠા ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતીથી ઉપજેલા ઉત્પાદનોને સરળતાથી ઓર્ડર કરી શકે છે અને મફત હોમ ડિલિવરી મેળવી શકે છે. નૈસર્ગિક નવસારી એપ્લિકેશન Google Play Store પરથી ડાઉનલોડ કરી શકાય છે.
એપ દ્વારા કૃષિ ઉત્પાદનોના વેચાણ વ્યવસ્થાપન માટે નોંધાયેલ FPO (Farmer Producer Organizations) પોતાના ઉત્પાદનો ઓનલાઇન લિસ્ટ કરી શકે છે અને ગ્રાહકો સુધી સીધું વેચાણ કરી શકે છે. આ એપ ખેડૂતો માટે પણ આવક વધારવાનો એક મજબૂત માધ્યમ બની છે. તેઓ સરળતાથી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે, ઉત્પાદન ઉમેરી શકે છે અને માર્કેટિંગ અને ઓર્ડર મેનેજમેન્ટ સરળતાથી સંભાળી શકે છે.નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીને ટેકો આપવો, ખેડૂતોની આવક વધારવી, અને નાગરિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરવીના વિઝન સાથી ડિજિટલ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે. આ ટેકનિકલ અભિયાન માત્ર ખેતી અને વેપાર માટે જ નહીં, પરંતુ શિક્ષણ, જાણકારી અને પર્યાવરણીય જાગૃતિ માટે પણ ઉપયોગી બન્યું છે. નૈસર્ગિક ખેતીને મજબુત આધાર આપતી આ પહેલ ખેડૂતોના આર્થિક સશક્તિકરણ, પર્યાવરણના રક્ષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ મહત્વપૂર્ણ પગલું છે. જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
“નૈસર્ગિક નવસારી” ભારતની પરંપરાગત કૃષિ જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સુમેળ છે, જે નવસારી જિલ્લામાં ટકાઉ ખેતીના દિશામાં એક મજબૂત અને અસરકારક પ્રયાસ રૂપે ઉભરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીને ટેકો આપવા માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા “નૈસર્ગિક નવસારી” નામની મોબાઇલ એપ્લિકેશન પણ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના દ્વારા નાગરિકો ઓર્ગેનિક પાકોને સહેલાઇથી ખરીદી શકે છે.

            
		








