વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગતરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીમાં એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને તેમની પુત્રી યશવી પટેલ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જોકે, કારમાં સવાર શિક્ષક મહેશભાઈ પટેલનો બચાવ કરવામાં સફળતા મળી છે.
પારડી તાલુકામાં ગતરોજ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કારણે ખાડીમાં પાણીની સપાટી 4.5 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. કાર પાણીના વહેણમાં ફસાતા મહેશભાઈએ બારી તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પરિવારને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેમની પુત્રી કાર સાથે તણાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને NDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાત્રે 2:30 વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. ખાડીની આસપાસ વાસ અને ઝાડી-ઝાંખરા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ 2 કલાકથી વધુની જહેમત બાદ NDRFની ટીમને કાર કે માતા પુત્રી હાથ લાગ્યા ન હતા. પારડીના ચંદ્રપુરના તરવૈયાઓએ પણ ભારે જહેમત લગાવી હતી. વહેલી સવારથી NDRF અને ચંદ્રપુરના તરવૈયાઓએ કાર અને માતા પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. ખાડી ઉપરથી પાણી ઉતરતા ખાડી નજીક કાર મળી આવી હતી અને કારમાંથી માતા પુત્રીની પાણીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી હતી

