બીલીમોરા: હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવતા બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે.
મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ !
આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે કવિ ઉદયન ઠક્કર, હર્ષ બ્રહ્મભટ્ટ અને હિતેન આનંદપરાએ તેમની સેવા આપી હતી. હર્ષવીના તાજેતરના કાવ્ય સંગ્રહ ‘તારી ન હો એ વાતો’ની રચનાઓને આધારે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સંગ્રહમાં તેમની કવિતાઓમાં જીવનની ગહનતા, પ્રેમ અને સમાજના વિવિધ પાસાઓને સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય વિધાભવન, ચોપાટી ખાતે યોજાયેલા મુશાયરામાં હર્ષવીએ પોતાની રચનાઓને અદ્ભુત રીતે રજૂ કરીને મુંબઈના સુજ્ઞ શ્રોતાઓની વાહવાહી મેળવી હતી. તેમની કવિતાઓમાં ભાવુકતા અને શબ્દોની મધુરતા એવી છે કે તે સાંભળનારને વિચારતા કરી દે છે. બીલીમોરા જેવા નાના વિસ્તારમાંથી આવીને આટલી મોટી સિદ્ધિ મેળવવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે. આ પુરસ્કાર તેમને વધુ સર્જનાત્મક કાર્ય કરવા પ્રેરણા આપશે.

