વલસાડ: વલસાડના અતુલ વિસ્તારમાં એક રીક્ષાચાલક અને તેની પત્ની પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે રીક્ષાચાલક મોહમ્મદ હાફિઝ રાઇન પોતાની બીમાર પત્ની ગુલઝારને સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો.
મુકુન્દ કંપની પાસે રીક્ષાનું ટાયર પંક્ચર થતાં તેઓએ રીક્ષા ઊભી રાખી હતી. આ દરમિયાન પસાર થતી ઇકો કાર રીક્ષાચાલકની પત્નીને અડીને નીકળી ગઈ. રીક્ષાચાલકે કાર સાચવીને ચલાવવાનું કહેતાં ઇકો કારમાં સવાર ત્રણ શખ્સોએ ઝઘડો શરૂ કર્યો હતો.આરોપીઓ મોહમ્મદ યુનુસ પઠાણ, આફતાબ શેખ અને અબ્દુલ રહેમાન ખાને દંપતી સાથે મારપીટ કરી.
મુખ્ય આરોપી મોહમ્મદ યુનુસે ધમકી આપતા કહ્યું કે તેણે સાતથી આઠ મર્ડર કર્યા છે અને નવમું મર્ડર પણ કરતાં અચકાશે નહીં.ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વલસાડ રૂરલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વાયરલ વીડિયોની સત્યતા ચકાસણી શરૂ કરી છે. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોની પૂછપરછ અને જરૂરી નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે.

