ગુજરાત: ગુજરાત વિધાનસભાનાં પોડિયમમાં ગુજરાતના કરોડો આદિવાસીઓનાં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સ્વાભિમાનનાં પ્રતિક બિરસા મુંડાનું તૈલચિત્ર મુકવા માટેની માંગ પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા કરવામાં આવી રહી છે
ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા અનેક મહાપુરુષોના તૈલચિત્રો મુકવામાં આવેલ છે. દેશની આઝાદીની લડાઈમાં, દેશની રાજનીતિમાં, સમાજ વ્યવસ્થામાં કે વહીવટી તંત્રમાં ખુબ મોટું યોગદાન આપનાર મહાપુરુષોના તૈલ ચિત્રો વિધાનસભા ગૃહમાં મુકવાની પરંપરા રહી છે. હાલમાં ગુજરાતની વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક, અબ્બાસ તૈયબજી, પૂજ્ય કસ્તુરબા, પૂજ્ય ઠક્કરબાપા તેમજ સરદારસિંહ રાણા સહિતના અનેક મહાપુરુષોના તૈલચિત્રો મુકેલ છે પરંતુ વિધાનસભા પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી.
વર્ષ 2011 ની વસ્તીગણતરી પ્રમાણે દેશભરમાં 8% અને ગુજરાતમાં 15% જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની છે. ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે. 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતિક સમાન ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર વિધાનસભામાં ન હોવું એ અત્યંત દુઃખદ બાબત છે. ગુજરાતના કરોડો આદિવાસીઓનાં સ્વાભિમાનનાં પ્રતિક ભગવાન બિરસા મુંડાનું પૂર્ણ કદનું તૈલચિત્ર વિધાનસભામાં તાત્કાલિક સ્થાપન કરવામાં આવે એવી મારી માંગણી છે.

