સોનગઢ: આજરોજ સોનગઢ તાલુકામાં જૂની કોઇલીવેલ અને સાતકાશી વચ્ચે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા 1500 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો, દરમિયાન હિંસક ઘટના બની હતી.

સ્થાનિક આદિવાસી આગેવાન યુસુફ ગામીતે જણાવ્યું હતું કે, ગઈ કાલે અમે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, આદિવાસી વિસ્તારમાં માપણીની તજવીજ ચાલી રહી છે, ત્યારે તમે લોકો અમારા વિસ્તારના લોકો સાથે કોઈ પણ ચર્ચા વિચારણા કર્યા વિના માપણી કરવા આવો છો. અમારા લોકોમાં આક્રોશ છે. ઘર્ષણ થવાના ચાન્સિસ છે, તમે ગ્રામસભા બોલાવો પેસાએક્ટ પ્રમાણે અને પછી તમે આ માપણની પ્રોસેસ કરજો. એમ અમે કાલે કહીને આવ્યા હતા.

આજે સવારથી પોલીસકાફલા સાથે થર્મલ પાવરના અધિકારી અને પોલીસમિત્ર આવ્યા હતા. તેમણે અમારી સાથે ટિંગાટોળી કરી છે. 15 જેટલા ટીયર ગેસના સેલ છોડયા છે. બે ત્રણ જણ બેભાન થયા છે. પાણી પીવડતાં તેઓ સાજા પણ થયા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરતા હતા ત્યારે એક્સપાઈરી થયેલા ટીયર ગેસ કેમ છોડવામાં આવ્યા? એટલે આદિવાસી સમાજ પણ હવે ચૂપ રહેવાનો નથી. એટલે જે પણ અધિકારીએ આ એક્સપાઈરી ડેટવાળા ટીયર ગેસ છોડયા છે. અમારા જીવ જોખમમાં મૂકવાની કોશિષ કરી છે. એમને કોર્ટમાં ઘસડીને લઈ જવાના છીએ અને અમે ચોક્કસપણે લડીશું. જીવન, જાન આપીશું પણ એક ઈંચ જમીન આપવાના નથી.

સોનગઢના તાલુકાના મામલતદારના પીએ વણારે જણાવ્યું હતું કે, હાલમાં આ પ્રોજેક્ટનું સંકલન ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ જમીનના સર્વે-માપણીની કામગીરી થવાની છે તે અંગે અમને કોઇ જાણ નથી. આ જે જમીન છે તે સરકાર હસ્તકની છે અને વનવિભાગની છે.

તાપી નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના સોનગઢ તથા ઉકાઈ વિસ્તારની અંદર ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા PSP એટલે કે પંપ્લર સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કંપની દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેના બંદોબસ્ત દરમિયાન ગામલોકો દ્વારા આ પ્રોજેક્ટ નહીં થવા દેવા માટે વિરોધ કરવા એકત્ર થયા હતા. પોલીસ તથા હાજર અધિકારીઓ દ્વારા ત્રણથી સાડા ત્રણ કલાક સમજાવટ કરવામાં આવી હતી. ટોળું માન્યું ન હતું. આ ટોળામાંથી પથ્થરમારો કરતા પોલીસકર્મીઓમાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરીને ઈજા થઈ હતી.

પોલીસે આરોપી યુસુફ ગામીત, ગણેશ વસાવા, કિશન પ્રતાપભાઈ, શૈલેષ શંકરભાઈ, ઈશ્વર બાબલિયાભાઈ, હરીશ મૂળજીભાઈ તથા અજાણ્યા 200થી 300 મારક હથિયારો ધારણ કરીને સમાન ઈરાદો પાર પાડવા માટે એકત્ર થવું અને લાકડાના ડંડા અને પથ્થર વડે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવો એ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

હાલમાં ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે