ભરૂચ: ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અનેક પરિવારો વર્ષોથી પોતાના મોટા પરિવાર સાથે નાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે.આવી પરિસ્થિતિમાં ઘર વિહોણા બનેલા કુટુંબોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજનાનો લાભ તાત્કાલિક આપવામાં આવે તેમજ સદર પ્લોટ પર સરકારની આવાસ યોજનાઓનો લાભ પણ મળી રહે તેવી માગ કરી.

Decision News ને મળેલી માહિતિ મુજબ સરકારની આવાસ યોજનાઓનો લાભ મળી રહે તેવી માગ સાથે 50થી વધુ લોકોએ ભરૂચ કલેક્ટર કચેરીએ લેખિતમાં આવેદન કર્યું હતું.જેમાં અરજદારોએ જણાવાયું છે કે, ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ અને પછાત વર્ગના લોકો જમીન-પ્લોટ વિહોણા હોવાથી પોતાનું ઘર બાંધવામાં અસમર્થ છે.

મોટો પરિવાર હોવા છતાં એક જ ઓરડામાં રહેવું પડે છે, જે કારણે જીવનશૈલી તથા બાળકોના શિક્ષણ પર પણ અસર થાય છે.રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરીને આવા પ્લોટ વિહોણા કુટુંબોને મફત પ્લોટ યોજનાનો લાભ આપે અને સરકારની જુદી-જુદી આવાસ યોજનાઓ મારફતે તેમને નિવાસ મળી રહે તેવી માગણી સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.