અંકલેશ્વર: અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આજરોજ બે કાર આગની લપેટમાં આવી ગઈ. બનાવ મુજબ એક કારચાલક પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેની કારમાં આગ લાગી. કારચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ કાર છોડી દીધી.
Decision News ને મળેલી માહિતી મુજબ તરત જ કાર છોડી દેવાના કારણે કારચાલકનો જીવ બચી ગયો. આગની જવાળાઓ એટલી ભયાનક હતી કે બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ચપેટમાં આવી ગઈ. બંને કાર એકસાથે સળગવા લાગી.
આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસીના ફાયર ફાયટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

