સુરત: સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી પર આવી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને ભોલી જહાંગીરપુરા બ્રિજનો ઉપયોગ વાહન ચાલકોએ કરવો પડશે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર સિંગણપોર- રાંદેર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે આ ચોમાસામાં પહેલી વાર 23 જુનના રોજ બંધ કરાયો હતો. 50 દિવસ બાદ 11 ઓગસ્ટના દિવસે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો જેના કારણે રાંદેર- સિંગણપોર- કતારગામ જતા વાહનચાલકોને મોટી રાહત થઈ હતી.
પરંતુ સાત દિવસમાં જ કોઝવેની સપાટી ફરી વધીને 5.95 મીટર થઈ જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે બંધ થતા હવે રાંદેર-કતારગામ-સિંગણપોર તરફ જતા વાહન ચાલકોએ જહાંગીરપુરા ડભોલી બ્રિજ અથવા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવો પડશે.

