વલસાડ: વલસાડ શહેરમાં જન્માષ્ટમીના બીજા દિવસે ગત રવિવારે એક અસામાન્ય ઘટના સામે આવી છે. તિથલ રોડ પર મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન DJ અને નાસિક ઢોલના મોટા અવાજથી રખડતા ઢોર ભડકી ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ વિવિધ ગોવિંદા ગ્રૂપ દ્વારા આયોજિત મટકી ફોડ કાર્યક્રમમાં સાંજના સમયે DJ અને નાસિક ઢોલની ધૂન વાગી રહી હતી. તિથલ રોડ પર બેઠેલા રખડતા ઢોર આ અવાજથી એકાએક ભડકી ગયા. ભડકેલા ઢોર રસ્તા પર દોડવા લાગ્યા, જેના કારણે વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.
એક જાગૃત વાહન ચાલકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો શેર કરનાર વ્યક્તિએ નગરપાલિકાને રખડતા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરવા અને DJ તથા નાસિક ઢોલ સંચાલકોને અવાજ નિયંત્રણમાં રાખવા અપીલ કરી છે.

