સુરત: સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, ત્યારે મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા હતા.
ચોરીની ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે DCP અને ACP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને FSL ની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

