વલસાડ: વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિલ્ડિંગમાં પાઇપના સહારે ઉપર ચડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડયો છે. મુંબઈ સહિત અનેક શહેરોમાં ફોડ ચોરીના 200થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી તાજેતરમાં વલસાડ શહેરમાં બનેલી ચોરીની ઘટનામાં પણ સામેલ હતો, જેણે પાઇપના સહારે ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ, તા. 11/08/2025ના રોજ વલસાડ શહેરના નવદીપ મેડિકલ સામે આવેલા એક ફ્લેટમાં રહેતા પરિવારના ઘરે ચોરી થઈ હતી. ચોરે પાઇપ પરથી ચડી મકાનમાં પ્રવેશ કરી તાળું તોડી અંદર જઈ રોકડ રકમ અને સોનાચાંદીના દાગીનાઓ મળી કુલ રૂ. 6.07 લાખનો માલ ચોરી ગયો હતો. તપાસ દરમ્યાન LCB PI જે.કે. પરમારની ટીમે મકાનના CCTV ફૂટેજના આધારે સૂત્રો મેળવી તપાસ આગળ ધપાવી. અંતે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીનું નામ સુમન ઊર્ફે સન્ની ગુલાબ ગુરિસાના શેખ છે. જે મહારાષ્ટ્રના થાણેના વસ્તીવહારનો રહેવાસી છે.

આરોપી સામે મુંબઈ, થાણે, નાશિક, પાલઘર સહિત અનેક સ્થળોએ ઘરફોડ ચોરીના 200થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અગાઉ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે અને ‘સ્પાઇડરમેન’ જેવી પદ્ધતિથી પાઇપ ચડીને ઘરમાં પ્રવેશ કરવામાં માહિર છે.પોલીસે આરોપી પાસેથી રૂ. 3,500નું ચોરાયેલો મોબાઇલ ફોન કબજે કર્યો છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 327(2)(C) અને 333(4) મુજબ ગુનો નોંધાયો છે. આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ વડા પ્રેમ વિર સિંહ તથા પોલીસ અધિક્ષક કંકરાડા વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI જે.કે. પરમાર તથા ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here