ભરૂચ: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ફીરદોશ પાર્ક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. 30 જૂનના રોજ થયેલી આ ચોરીમાં એક આરોપીને ગોધરાથી પકડી પાડવામાં આવ્યો છે. બે આરોપીઓ હજુ ફરાર છે. ભરૂચ LCBએ મિલકતસંબંધિત ગુનાઓ શોધવા માટે વિશેષ એક્શન પ્લાન બનાવ્યો હતો. પોલીસે CCTV ફુટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ શખ્સોની સંડોવણી શોધી કાઢી હતી.
આરોપીઓએ મકાનનું તાળું તોડીને લાકડાના કબાટમાંથી 56 ગ્રામ સોનાની વસ્તુઓની ચોરી કરી હતી. ચોરી કરેલી વસ્તુઓની કિંમત રૂ.4.48 લાખ છે. 12 ઓગસ્ટે બાતમીના આધારે પોલીસે સાહીદ ઉર્ફે બાટલો શેખને ગોધરામાંથી પકડયો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે મુન્નાવર મામજી અને ઇરફાન ફોદા સાથે મળીને કારમાં ભરૂચ આવ્યા હતા. ચોરી કર્યા બાદ તેઓ ગોધરા પરત ફર્યા હતા.
પકડાયેલા આરોપી સાહીદ ઉર્ફે બાટલો મોહંમદ જમાલ શેખ ધંતીયા પ્લોટ, ગોધરાનો રહેવાસી છે. ફરાર આરોપીઓમાં ઇરફાન અબ્દુલ રહીમ ફોદા અને મુન્નાવર મામજી બંને ગોધરાના રહેવાસી છે. આરોપીને વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર “બી” ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

