સુરત: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની ઘાતકી હત્યા કરી નાંખી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતને લઈને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.ગત રાત્રે, આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

