વલસાડ: વલસાડમાં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આયોજિત મહારક્તદાન શિબિર મોંઘાભાઈ હોલ ખાતે યોજાઈ. આ શિબિરમાં કુલ 1211 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. રક્તસંગ્રહ માટે વલસાડ રક્તદાન કેન્દ્ર, સિવિલ બ્લડ બેંક અને પારડી બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો.
‘અંગદાન એ જ જીવનદાન’ના સૂત્ર સાથે ડોનેટ લાઇફના સ્થાપક નિલેશભાઈ ટપડલાવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. ARDF ના ટ્રસ્ટી સુનિલભાઈ જોષી વિશેષ અતિથિ તરીકે જોડાયા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાનથી થયો.”ઓપરેશન સિંદૂર” થીમ સાથે યોજાયેલા આ શિબિરમાં રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે હેલ્મેટ, સંજીવની કિટ અને છોડનું વિતરણ કરાયું.
લકી ડ્રો દ્વારા સાઉન્ડ સિસ્ટમ, મોબાઈલ અને સ્માર્ટ વોચ જેવી ભેટો આપવામાં આવી હતી.શિબિરને સફળ બનાવવામાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, પુનમ ઈલેક્ટ્રોનિક્સ, દેવરાઇઝ અગરબત્તી સહિત અનેક દાતાઓનો સહયોગ રહ્યો. ઉમિયા ટ્રસ્ટના કેપ્ટન અશોક પટેલે તમામ રક્તદાતાઓ, દાતાશ્રીઓ અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

