ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવા રહે.ગામ શિયાલી તા.ઝઘડિયાનાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘાસચારો લેવા ગયા હતા, તે સમયે મેઇન રસ્તા પર એક ટ્રક ઉભેલી હતી.ત્યારબાદ સવા દસ વાગ્યાના અરસામાં ઘાસ કાપીને તેનો ભારો મોટરસાયકલ પાછળ બાંધીને ભોગીલાલભાઇ મોટરસાયકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા,તે દરમિયાન બાડાબેડા ત્રણ રસ્તા તરફથી એક ટ્રકનો ડ્રાઇવર સ્પિડથી ટ્રક ચલાવીને આવ્યો હતો,આ ટ્રક ભોગીલાલભાઇની મોટરસાયકલ પર ચડી જતા મોટરસાયકલ ટ્રક સાથે થોડે દુર સુધી ઘસડાઇ હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ભોગીલાલ વસાવા ગંભીર રીતે જખ્મી થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
જોકે મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ પોલીસ ફરિયાદમાં આ ટ્રક તેમના પતિની મોટરસાયકલ પર ઇરાદાપૂર્વક ચડાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો,તેમજ સુભાષભાઇ નામના માણસે ભોગીલાલભાઇના સંબંધી નિલેશભાઇને ફોન દ્વારા આ ટ્રકનો કબ્જો દિલિપભાઇ વસાવા અને રણજીતભાઇ વસાવા પાસે હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. મૃતક ભોગીલાલ વસાવાની પત્ની ઉજમબેન વસાવાએ તેમના પતિ પર ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દઇ તેમનું મોત નીપજાવ્યું હોવાના આક્ષેપ સાથે ટ્રક ચાલક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી ઘટનામાં રાજકીય કિન્નાખોરીથી આ કૃત્ય કરેલ હોવાનો આક્ષેપ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

