ભરૂચ: ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 70 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે. મોર્બીની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપ્યા હતા.
માર્ગ અને મકાન વિભાગની 10 અધિકારીઓની ટીમે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કર્યું હતું. વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઊભું રાખી ડિજિટલ મીટરથી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. ટેસ્ટિંગની કામગીરી 3 કલાક સુધી ચાલી હતી.
બ્રિજની હાલત ચિંતાજનક છે. હેવી વાહનો પસાર થતાં બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલરોમાં તિરાડો દેખાય છે. લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે. આ બ્રિજ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામજનો માટે મહત્વનો છે. નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગનો રિપોર્ટ 7 દિવસમાં આવશે.

