તાપી: તાપી જિલ્લાના ઉકાઈ યાંત્રિક પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલની ACBએ લાંચ કેસમાં ધરપકડ કરી છે.વર્ષ 2021માં રવિન્દ્ર પટેલે એક કોન્ટ્રાક્ટરના 5,74,950 રૂપિયાનું બિલ પાસ કરવા માટે 10 ટકા લેખે 57,500 રૂપિયાની લાંચની માગણી કરી હતી.
કોન્ટ્રાક્ટરે 10,000 રૂપિયા આપ્યા અને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.ત્યારબાદ ઈજનેર વારંવાર લાંચની માગણી કરતા કોન્ટ્રાક્ટરે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ACBએ ગોઠવેલું છટકું નિષ્ફળ ગયું હતું. જોકે, વોઈસ રેકોર્ડિંગ સહિતના પુરાવા FSL તપાસમાં સકારાત્મક આવ્યા હતા.
રવિન્દ્ર પટેલ 2003થી સરકારી નોકરીમાં છે અને 1.42 લાખનો માસિક પગાર મેળવે છે. 2022માં તેમને નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળી હતી. હાલમાં તેઓ સિંચાઈ પેટા વિભાગ સુરત ખાતે ફરજ બજાવતા હતા, જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તાપી ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

