સુરત: સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં આવેલ વેડરોડ ગુરુકુળ મંદિર પાસેથી એક 9 મહિનાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. પોલીસની સમયસર અને સક્રિય કામગીરીને કારણે બાળકીને ગણતરીના કલાકોમાં જ તેના માતા-પિતાને સુપરત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગઈરોજ સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ગુરુકુળ મંદિર પાસે એક નાની બાળકી રડતી હાલતમાં મળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા, સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનની “શી ટીમ” ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બાળકીની સંભાળ લીધી અને તેને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી. ત્યાર બાદ મોડી રાત્રે બાળકીને કતારગામ ખાતેના શિશુગૃહમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી.
પોલીસે બાળકીના વાલી-વારસની શોધખોળ માટે તરત જ અલગ-અલગ ટીમો બનાવી. આ ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આસપાસના લોકોની પૂછપરછ કરી. આ સઘન પ્રયાસોને પગલે બાળકીના માતા-પિતા મળી આવ્યા. બાળકીની 25 વર્ષીય માતા જે બિહારના વતની છે, તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
માતાએ જણાવ્યું કે, તેઓ તેમના સંબંધીઓને મળવા માટે લિંડિયાડ આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા. આ દરમિયાન, તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે બીજી રીક્ષામાં બેઠી છે, અને આ કારણે તેઓ બાળકીને ભૂલી ગયા હતા.બાળકીના વાલીઓ મળ્યા બાદ પોલીસે શિશુગૃહમાંથી તેનો કબજો પરત લીધો અને બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે સોંપી. પોલીસની આ માનવીય અને પ્રશંસનીય કામગીરીથી ભાવુક થઈને બાળકીના વાલીઓએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો અને મીઠાઈ આપી હતી.

