તાપી: ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામના રહેવાસીઓ, જે હાલ કાચા ઘરોમાં રહે છે, તેમને સરકારી આવાસ યોજના હેઠળ પાકું ઘર મળે તે માટે સામાજિક કાર્યકર વિનોદભાઈ ગામીત દ્વારા ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે આનંદપુર ગામના કેટલાક ગરીબ પરિવારોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ જૂના અને કાચા ઘરોમાં રહેવા મજબૂર છે.
આ પરિવારોને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. આવાસથી વંચિત રહેલા આ પરિવારોએ સરકારી આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે ગત તા. 10-08-2022ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.ત્યારબાદ વર્ષ 2023-24માં ટી.એસ.પી. આવાસ યોજનાના ફોર્મ ભરી, સરપંચ અને તલાટી-કમ-મંત્રીની સહી-સિક્કા અને ઠરાવ સાથે, તાલુકા પંચાયતની કચેરીમાં જમા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ દ્વારા ગામમાં સ્થળની ચકાસણી કરવામાં આવી હતી અને ખૂટતાં દસ્તાવેજો પણ જમા કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં,વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન આવાસ યોજના હેઠળ આ ગરીબ પરિવારોને લાભ આપવામાં આવ્યો નથી.

