નવસારી: ગણદેવી તાલુકાના એંધલથી પસાર થતા ને.હા.નં. 48 એંધલ હાઇવે પર ખાડાઓ પડી ગયા છે. જેને લઈને 8 ઓગસ્ટે સર્વોત્તમ હોટલ સામેના ખાડામાં બે મોપેડ ચાલકને ગંભીર અકસ્માત થયો હતો છતાં હજુ સુધી આ ખાડા પુરવામાં નફફટ તંત્રને સમય મળતો નથી. જેને લઈને વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે.
એંધલ હાઇવે પર ડીસન્ટ હોટલ, ડુંગરી ફળિયા, દર્શન હોટલ અને સર્વોતમ હોટલ સામે ખાડા બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ હતી અને 7 દિવસમાં આ ખાડાની મરામત કરવા સુચના અપાઈ હતી. જેને અનુસંધાનમાં સર્વોતમ સામેના ખાડા હજુ પણ પુરવામાં આવ્યા નથી. જયારે બાકીના ખાડા પૂરીને કાર્પેટ પણ કરવામાં આવ્યું છે.
આ ખાડાના પુરાતા અહીં 8 ઓગસ્ટે બે મોપેડ ચાલક પટકાયા હતા અને ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા છતાં હજુ સુધી આ ખાડા ન પુરતા લોકોએ આ ખાડા આગળ આડાશ મૂકી વાહન ચાલકોને ચેતવ્યા છે આવી ગંભીર બેદરકારી બાબતે કલેકટર કોઈ પગલાં લેશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે.

