પારડી: પારડી અરનાલા પાટી પાસે કોલક નદીમાં એક યુવકની રહસ્યમય પરિસ્થિતિમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારજનોએ અકસ્માત ઘટનાને નકારી હત્યાના સીધા આક્ષેપ કર્યા છે.પારડીના ધગડમાળ ગામના 18 વર્ષીય નિરવ દિલીપભાઈ પટેલ ગત શુક્રવારે રાત્રે કામ પરથી ઘરે આવ્યો હતો. રાતે 12:30 વાગ્યે તે મિત્રો સાથે મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ફરી પરત આવ્યો ન હતો.
શનિવારે સવારે અરનાલા પાટીના કોલક નદીમાં એક બાઇક પડેલી હોવાનું દેખાયા બાદ બપોર પોલીસે ગામલોકો સાથે બાઇક બહાર કાઢતા તેની સાથે નિરવનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.Decision News ને મળેલી માહિતી મુજબ ઘટનામાં પિતા દિલીપભાઈ પટેલે આક્ષેપ કર્યો કે, નીરવની બાઇક સ્ટીયરિંગ લોક હતી, જેની ચાવી પણ ખિસ્સામાંથી મળી છે. પિતાએ શંકા વ્યક્ત કરી હતી કે, “મારા છોકરાની કોઇએ હત્યા કરી તેને બાઇક સાથે નદીમાં ફેકી દીધો છે.”
જો અકસ્માત હોત તો બાઇક કેમ લોક હતી” તેમણે વધુ જણાવ્યું કે પાટી ગામની એક યુવતી સાથે નિરવનો પ્રેમસંબંધ હતો. જે સંબંધમાં હત્યા કરાઇ હોવાની શંકા છે.પારડી પોલીસે પીએમ કરાવતા પ્રાથમિક કારણ ડૂબવાથી મોત હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની તપાસ પારડી પોલીસે સાથે જિલ્લા એલસીબી પણ કરી રહી છે.આ ઘટનામાં બાઇક લોક હતી, ચાવી નિરવની ખિસ્સામાંથી મળી,અને નિરવને કોઈ વ્યસન કે ખરાબ આદત ન હતી, આ સાથે તેનો મોબાઈલ પણ મળ્યો નથી જે દરેક પાસાઓને આવરી પોલીસ તપાસ કરી રહી છે પરંતુ મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટ આધારે બહાર આવી શકે તેમ છે.

