નવસારી: નવસારીમાં ગણદેવી તાલુકામાં આવેલી એક આશ્રમ શાળામાં છાત્ર સાંજે ગાય માટે ચારો ન લાવતા શિક્ષકે છાત્રને વાંસની સોટી વડે માર મારતા પગ અને હાથમાં ઇજા થતા પાંચ દિવસ સુધી છાત્રને અસર થઇ હતી. શિક્ષણ ધામે બાળકો શિક્ષણ લેવા આવતા હોય ત્યારે શિક્ષક ગુરૂ નહીં પણ અદાવત રાખે તેવા છાત્રાલયના શિક્ષક સામે સમગ્ર પંથકમાં ફીટકાર વરસી રહ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક આશ્રમ શાળા આવેલી છે. જેમાં ડાંગ અને વાંસદાના અંતરિયાળ ગામોમાંથી આદિવાસી પરિવારના છાત્રો છાત્રાલયમાં રહી શિક્ષા લેવા માટે આવી રહ્યા છે. 10 દિવસ પહેલા શાળાનો સમય પૂરો થયા બાદ સાંજના જમ્યા બાદ 6.30 કલાકે છાત્રોને ગાય માટે ચારો લેવા માટે જણાવ્યું હતું.
જેમાં ડાંગના આદિવાસી બાળક સિવાય બધા છાત્રો ચારો લેવા માટે ગયા હતા. અચાનક શિક્ષક આવી પહોંચતા છાત્રાલયમાં રહેલા બાળકે તું ગાયનો ચારો લેવા માટે કેમ ન ગયો તેમ જણાવી બાળક કહે તે પહેલા જ હાથે ને પગે વાંસની સોટી મારી હતી. જેને લઇ પાંચ દિવસ સુધી અન્ય મિત્રોને લઇ લઘુશંકા માટે ગયો હતો.ઘટનાની જાણ છાત્રના પરિવારને અને સંબંધીઓને થતા તેઓએ છાત્રને મારનાર શિક્ષક સામે પગલાં લેવા માટે શિક્ષણ વિભાગને અપીલ કરી છે. છાત્રના પિતાએ સુબીર પોલીસ મથકમાં અરજી કરી હતી. છાત્રને પગમાં સોટીનો માર વાગતા 5 દિવસ અસર થઇ હતી.

