વલસાડ: પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને ખોટા પ્રચારનો વલસાડના સાંસદ શ્રી ધવલ પટેલે તીવ્ર વિરોધ કર્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો છે અને લોકસભામાં તેનો કોઈ ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) રજૂ થયો નથી. છતાં, કોંગ્રેસ દ્વારા 14 ઓગસ્ટે ધરમપુરમાં આંદોલનની તૈયારી કરવામાં આવી રહી છે, જેનો શ્રી ધવલ પટેલે પત્રકાર પરિષદમાં ખુલાસો કરીને જોરદાર વિરોધ કર્યો છે.

શ્રી ધવલ પટેલે જણાવ્યું, “કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આદિવાસી સમાજનો દુરુપયોગ કરી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ આગળ વધશે નહીં, પરંતુ કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરીને ખોટી અફવાઓ ફેલાવી રહી છે. આ તેમનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ છે, જેનો હું સખત વિરોધ કરું છું.”

તેમણે વધુમાં કહ્યું, “કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે જાહેરાત કરી હતી કે આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે. આમ છતાં, કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંત પટેલ શ્વેત પત્રની માંગ કરીને બિનજરૂરી વિવાદ ઊભો કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી, તેથી તેઓ આવી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.”

શ્રી ધવલ પટેલે આદિવાસી સમાજને અપીલ કરી કે, “કોંગ્રેસના ખોટા પ્રચારથી દૂર રહો. ભાજપ સરકાર આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવા અને દક્ષિણ ગુજરાતના વિકાસ માટે સતત કાર્યરત છે. અમે આદિવાસી સમાજની સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ.”

ધવલ પટેલે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે, “આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપો. ભાજપ આદિવાસી સમાજની સાથે ઊભી છે અને તેમના હિતોની રક્ષા માટે કટિબદ્ધ છે.” સંસદ ધવલભાઈ પટેલ સાથે આ પત્રકાર પરિષદમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here