ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ભવાડી ગામ નજીક શાકભાજીનો જથ્થો ભરેલ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ ઘર નજીક પલ્ટી જતા અફરા તફરી મચી ગઇ હતી. મહારાષ્ટ્રનાં નાસિક તરફથી બુધવારના રોજ શાકભાજીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક અચાનક બ્રેક ફેઇલ થતા સ્થળ પર ટ્રક પલ્ટી મારી ગઈ.
ટ્રક નંબર જીજે-27-ટીડી-9092 આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં ભવાડી ગામ નજીક અચાનક બ્રેક ફેઇલ થતા સ્થળ પર ટ્રક બેકાબુ બની માર્ગની સાઈડમાં આવેલ ઘર પાસે જઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહી અચાનક ટ્રક પલ્ટી મારી જતા ધડામ દઈને અવાજ આવતા ઘરમાં બેસેલો પરિવાર બહાર દોડી આવ્યો હતો.
આ અકસ્માતનાં બનાવમાં ઘરને થોડુઘણુ નુકસાન થયું હતું. જ્યારે ટ્રક સહિત શાકભાજીના જથ્થાને મોટુ નુકસાન થયું હતું. આ બનાવમાં ઘરમાં રહેતા પરિવારનો તથા ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડી હતી.

