વલસાડ: વલસાડ જિલ્લામાં ભર ચોમાસામાં જ્યારે ડાંગરનો પાક ઉભો છે ત્યારે જ પાકની સુરક્ષા અને તેના યોગ્ય ઉત્પાદન માટે યુરિયા અને અન્ય ખાતર ની અછત સર્જાયા બાદ હવે ખાતરનો જથ્થો આવ્યો છે ત્યારે ખેડૂતોની અત્યંત મોટી અને લાંબી કતારને લઇ લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું.
માગ સામે માત્ર 30 ટકા જ ખાતર આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ધરમપુરમાં એગ્રો સેન્ટર ખાતે ખેડૂતોને ખાતર લેવા માટે રસ્તા ઉપર ખાસ્સી લાંબી લાઇનમાં કલાકો ઉભા રહેવાની ફરજ પડી હતી.જેમાં ખેડૂતોને ભારે કષ્ટ ભોગાવવાનો વારો આવ્યો હતો.વલસાડ જિલ્લામા અઠવાડિયા પહેલાં જિલ્લા કોંગ્રેસે ખેડૂતોને ડાંગરના પાક સહિતના અન્ય ઉત્પાદનોની ખેતી માટે યુરિયા ખાતરની ભયંકર અછત મામલે વિરોધ પ્રદર્શન કરી કલેકટરમાં ઘા નાંખી હતી.
હવે જ્યારે જિલ્લામાં ખાતરનો જથ્થો માગ કરતા ખુબ ઓછો આવતાં ખેડૂતોમાં ભારે પડાપડી થઇ રહી છે અને ખેડતો પાકને બચાવવા માટે ખાતર મેળવવા નોંધણી કરાવવાની લાચારીમાં સપડાઇ રહ્યા છે.ખેડૂતોમાં ઉઠી રહેલી ફરિયાદ મુજબ હજુ જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું નથી. એક ખેડૂતને તેના ખેતરમાં 25 બેગ ખાતર જોઈતું હોય છે તેના સામે હાલે ખેડૂતો ને 1 જ બેગ મળી રહી છે.વહેલી તકે પૂરતો પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતોની માગ છે. જેથી તંત્રએ આ સમસ્યા તરફ ધ્યાન દોરવાની જરૂર છે.

