વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા 62 કિલોમીટરના નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડા દૂર કરવા NHAIની ટીમ કામે લાગી છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે હાઇવેના રોડ બિસ્માર બન્યા છે, જેના કારણે લાખો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.આ 62 કિલોમીટરના પટ્ટા પૈકી 2 કિલોમીટરનો રોડ અત્યંત જર્જરિત થયો છે. ભિલાડ, પારડી અને વલસાડમાં આવેલા 5 જેટલા સ્થળોએ રસ્તાઓ બિસ્માર બન્યા છે. અંદાજે 7 કરોડના ખર્ચે આ માર્ગો સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Decision Newsને મળેલી માહિતિ મુજબ વધુ ધોવાણ થયેલા 5 સ્થળો પર NHAIની ટીમે 2 કિલોમીટરના રોડને RCC કરવા અને રોડની મજબૂતાઈ વધારવાની કામગીરી શરૂ કરી છે. હાઈ ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી આ કામગીરીથી આગામી 15 વર્ષ સુધી આ રોડને કોઈ તકલીફ નહીં પડે તેવું જણાવવામાં આવ્યું છે.વલસાડ હાઇવેનો સૌથી વધુ ઉપયોગ કરતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને વલસાડ જિલ્લા ટેક્ષી એસોસિએશનના અગ્રણીઓએ NHAIના અધિકારીઓને બગવાળા ટોલ પ્લાઝા ખાતે બિસ્માર હાઇવે મરામત કરાવવા “રોડ નહીં તો ટોલ નહીં” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

હાલમાં ભિલાડ, પારડી અને સોનવાડા ખાતે વધુ બિસ્માર રોડ હોવાથી સૌ પ્રથમ આ સ્થળો પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બાકી રહેલી 2 સાઇટ પર RCC કરવાની કામગીરી કરવામાં આવશે.આગામી દિવસોમાં સુગર ફેક્ટરી અને કરમબેલી સાઇટ પર પણ કામગીરી હાથ ધરાશે. NHAIના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું છે કે આગામી દોઢ મહિના સુધી વલસાડ હાઇવે પર ટ્રાફિકની થોડી સમસ્યા રહેશે. ત્યાર બાદ આ 5 સાઇટ પર 15 વર્ષ સુધી કોઈ તકલીફ નહીં પડે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here