સુરત: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ. જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે. PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી. પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા PSIને એસીબીએ રંગે હાથ પકડી પાડયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ બનાવની વિગતો અનુસાર, ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ PSI એમ. જી. લીંબોલા કરી રહ્યો હતો. તપાસ દરમિયાન, PSI લીંબોલાએ આરોપીઓને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું.
6 ઓગસ્ટ, 2025ના રોજ, સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ દરમિયાન PSI લીંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 40,000ની લાંચ સ્વીકારી હતી. આ જ સમયે ACBની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડયો હતો. લાંચની રકમ 40,000 પણ તેની પાસેથી પરત મેળવી લેવામાં આવી છે.ACB દ્વારા આરોપી PSI એમ. જી. લીંબોલાને ડિટેઈન કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ભરૂચ ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. શિંદે અને વડોદરા ગ્રામ્ય ACBના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ. જે. ચૌહાણ તથા તેમની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB, વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

