વલસાડ: વલસાડ જિલ્લાના ધમડાચી ગામમાં મુખ્ય માર્ગ પર આવેલા સરકારી ઝાડોની કાપણીને લઈને વિવાદ સર્જાયો છે. સરપંચના પતિએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆત અને વલસાડમાં લીમડાનું ઝાડ પડવાથી વિદ્યાર્થીના મોતની ઘટનાને ધ્યાનમાં રાખી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

સરપંચ પતિના મતે ગામના સુપ્રસિદ્ધ વૈષ્ણવ દેવી મંદિરે આવતી ખાનગી ટ્રાવેલ્સ અને મોટા વાહનચાલકો અનેસામાન લાવનારા ટેમ્પો-ટ્રક ચાલકોએ ફરિયાદ કરી હતી કે વૃક્ષો તેમની અવરજવરમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વૃક્ષો કાપવામાં આવ્યા નથી, ફક્ત જરૂરી કાપણી કરવામાં આવી છે.બીજી તરફ, કેટલાક સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વન વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે સરકારી મંજૂરી વિના ઝાડો કાપવામાં આવ્યા છે.

વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ ઝાડો વલસાડ મામલતદારની રેન્જ હેઠળ આવે છે. આગળની તપાસ માટે મામલો મામલતદાર કચેરીને સોંપવામાં આવ્યો છે.હવે ધમડાચી ગામમાં ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર ઠરાવ પ્રમાણે ફક્ત છાંટણી કરવામાં આવી છે કે પછી સંપૂર્ણ ઝાડો કાપી નાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકો 35 જેટલા ઝાડોની કાપણી અંગે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here