ડાંગ: ડાંગ જિલ્લામાં આગામી 9 ઓગસ્ટના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે 95 ટકા કરતા વધુ આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં ભારે નિરાશા અને રોષ વ્યાપી ગયો છે.

ગાંધીનગર આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે સૂચના આપી છે. આ પરિપત્ર મુજબ રાજ્યમાં ફક્ત ચાર જિલ્લા દાહોદ, છોટાઉદેપુર, સુરત (માંડવી) અને વલસાડમાં જ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. અન્ય જિલ્લામાં થનારા કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી,

પરંતુ સરકારી સ્તરેથી મળેલી સૂચના મુજબ આ પગલું લેવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના પ્રાયોજના વહીવટદારે એક પરિપત્ર દ્વારા તમામ જિલ્લા સંકલન અધિકારીઓને જાણ કરી છે કે, ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી આહવાના આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં ભવ્ય રીતે થવાની હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો અને સમુદાયના લોકો ભાગ લેવા ઉત્સુક હતા.

પરિપત્ર બાદ આ કાર્યક્રમને તાત્કાલિક મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે સ્થાનિક આદિવાસી આગેવાનો અને યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી ડાંગના આદિવાસી સમુદાયમાં તણાવની સ્થિતિ ઊભી થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે રાજય સરકાર આદિજાતિ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે ઘટતુ કરે તેવી માંગ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here