વલસાડ: ડુંગરી નજીકનાં ઓલગામના દરબડીયા ફળીયામા રહેતા વયોવૃદ્વની ઘર તૂટી પડતા લાંબો સમય થવા છતાં હજુ સુધી ઘર માટે સરકારી સહાય નહીં મળતા યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
વલસાડ તાલુકાના ઓલગામના દરબડીયા ફળિયામાં રહેતા બચુભાઈ લલ્લુભાઇ નામના વયોવૃદ્વ વડીલનું ઘર ચક્રવાત દરમ્યાન આંબલીનુ ઝાડ તૂટી પડતા ખુબ જ ખરાબ રીતે ક્ષતીગ્રસ્ત થયું હતું. આ બાબતે ખુબ લાંબો સમય થવા છતાં સરકારી સહાય નહીં મળતા વૃદ્વના ગામલોકોએ આદિવાસી આગેવાન મુકેશભાઈ પટેલને રજૂઆત કરેલ હતી, આ સમગ્ર બનાવની જાણ યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલને કરવામાં આવી ત્યારબાદ મુકેશભાઈએ ગામના સરપંચનો સંપર્ક કરતા એમણે ઉપલી કક્ષાએ વધુ કાર્યવાહી માટે મોકલી આપેલ હોવાની વાત જણાવેલ હતી. આથી મુકેશભાઈએ વૃદ્વના ઘરની રૂબરૂ મુલાકાત લેતા પરિસ્થિતિ ખુબ જ દયનિય જોવા મળી હતી. હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વડીલ તરીકે એનું કોઈ કરવાવાળું કોઈ નથી, પરિવારમા માત્ર દિકરી જ છે. આથી માંડ તાડપત્રી ઢાંકીને રહી રહ્યા છે.
આથી આ બાબતે આદિવાસી સમાજ યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને એમની કક્ષાએથી વડીલને રહેવા માટે સન્માનજનક પરિસ્થિતિ મળી રહે તે માટે ત્વરિત ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

